કિન્નરોને સમાજમાં યોગ્ય માનપાન મળતું નથી પરંતુ તેમાં એક કિન્નરની એવી વાત કરવી છે કે જેનાથી સમાજના તમામ લોકોને તેમના પ્રત્યે માન સન્માન થશે. આ વાત છે ભાવનગરથી 10 કિલોમીટર દૂર સીદસર ગામ નજીક ગૌશાળા ચલાવતા કિન્નર નયના કુંવરની.
નયના કુંવર એક એવા વિશિષ્ટ કિન્નર છે કે તેમણે પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરી દીધું છે. દરરોજ તેઓ નારી ગામ પાસે ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર વાહન ચાલકો પાસેથી 10, 15, 20, 50 રૂપિયાની ભીખ માંગે છે. તે રકમનો ઉપયોગ પોતાના જીવન માટે નહીં પરંતુ ગાયો માટે કરી રહ્યા છે. ગાયોના નિર્વાહ ઉપરાંત બીમાર, અપંગ ગાયોની દવા સેવા ચાકરી માટે આ રકમનો ઉપયોગ કરે છે.
વહેલી સવારે પ્રાતઃકાળમાં જાગીને સૌપ્રથમ નયના કુંવર સીદસર નજીકની પોતાની ગૌશાળામાં ગાયોની સેવા પૂજા કરે છે. ત્યારબાદ સીધા નારી ગામ હાઇવે ઉપર પહોંચીને વાહન ચાલકો પાસેથી ભીખ માગતા નજરે પડે છે. મધ્યાહને પોતાની ગૌશાળામાં પરત ફરીને ફરી તેમની સેવા ચાકરીમાં લાગી જાય છે. આમ તેમનું જીવન લોકો માટે પ્રેરણાદાયી છે.