દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરશે. આ પહેલાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રવિવારે એજન્સીએ લીકર પોલિસી કેસમાં આઠ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. તેમણે સીબીઆઈ ઓફિસમાં રાત વિતાવી હતી. આ કેસ સાથે સંબંધિત પુરાવાનો નાશ કરવા અને તપાસમાં સહકાર ન આપવાના આરોપ સામે સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
સિસોદિયા આમ આદમી પાર્ટીના બીજા મંત્રી છે જેમની એક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તે હજુ પણ જેલમાં છે.