કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ કદાવર લિંગાયત નેતા બી.એસ. યેદિયુરપ્પાને વધુ પ્રાથમિકતા આપી રહી છે. એપ્રિલ-મેમાં સંભવિત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાના અભિયાનમાં પાર્ટીને તેમની ખાસ જરૂર છે. ભલે તેઓ 80 વર્ષના થયા છે અને ઘોષણા પણ કરી ચૂક્યા છે કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી સંન્યાસ લઇ રહ્યા છે. તેમ છતાં પાર્ટીને રાજ્યમાં પ્રચાર માટે તેમની ખાસ જરૂર છે. 224 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવવાના લક્ષ્યમાં પાર્ટી તેમને મુખ્ય આઇકોન તરીકે માની રહી છે.
ભાજપના પ્રવક્તા જી. મધુસૂદને ભાસ્કરને સાથે વાત કરતા જણાવ્યું હતું કે યેદિયુરપ્પાને કોઈ પણ કિંમતે અવગણી શકાય નહીં. 2008માં પહેલીવાર જ્યારે પાર્ટીની પ્રથમ સરકાર કર્ણાટકના રૂપમાં દક્ષિણના રાજ્યમાં બની હતી ત્યારે યેદિયુરપ્પા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. જનનેતાના રૂપમાં તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની તરફેણમાં વોટ બદલી શકે છે. મધુસૂદને કહ્યું કે તેમના પ્રભાવશાળી નેતૃત્વને કારણે જ પાર્ટીએ તેમને ગયા વર્ષે સંસદીય બોર્ડમાં સ્થાન આપ્યું હતું.
તેમણે કથિત રીતે પાર્ટી દ્વારા નક્કી કરાયેલી 75 વર્ષની વયમર્યાદા વટાવી દીધી છે. યેદિયુરપ્પા દક્ષિણમાં ભાજપના પહેલા એવા નેતા પણ છે જેઓ 2007, 2008, 2018 અને 2019માં રેકોર્ડ 4 વખત મુખ્યમંત્રી રહ્યા છે. જોકે વિવિધ કારણોસર તેમણે એક વખત પણ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે મે 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કર્ણાટકમાં 28 લોકસભા બેઠકોમાંથી રેકોર્ડ 25 બેઠકો જીત હાંસલ કરી હતી.