ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને આડે હવે બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે સંભવત આગામી તારીખ 5 માર્ચ સુધીમાં પરીક્ષાના પેપર રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રભરમાં બોર્ડની પરીક્ષાના પેપર રાજકોટથી જ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે ગાંધીનગરમાં બોર્ડના અધિકારીઓની મિટિંગ મળી હતી જેમાં બોર્ડની પરીક્ષાના આયોજન સંદર્ભે અને પ્રશ્નપત્ર મોકલવા સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટમાં 5 માર્ચ સુધીમાં બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર આવી પહોંચશે તેમજ શહેરની ચૌધરી હાઈસ્કૂલને પેપર રીસિવિંગ સેન્ટર તરીકે નક્કી કરવામાં આવ્યું છે. તમામ પ્રશ્નપત્ર રાજકોટ આવી ગયા બાદ સંભવત બોર્ડની પરીક્ષાના એક બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના જુદા જુદા ઝોનમાં પેપર મોકલવામાં આવશે.
14 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 85 હજાર વિદ્યાર્થીઓ સહિત રાજ્યભરમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે આગામી બે ત્રણ દિવસમાં એટલે કે સંભવત 5 માર્ચે બોર્ડની પરીક્ષાના પેપર રાજકોટ આવી પહોંચશે અને તેને સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ રાખવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા શરૂ થવાના બે ત્રણ દિવસ અગાઉ જ સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્ર પર આ પ્રશ્નપત્રો મોકલવામાં આવશે.