ગોંડલ નગર પાલિકા તંત્રએ સરકારી જાહેરાતના હોર્ડિંગ બોર્ડમાં ધારાસભ્યના પુત્રની વાહવાહી કરતાં વિપક્ષ કોંગ્રેસે આ મુદે વાંધો લીધો છે અને ઘરની ધોરાજી ચલાવતા નગરપાલિકા તંત્રના ચીફઓફિસર સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા,યતિશભાઇ દેસાઈ, દિનેશભાઈ પાતર, શૈલેષભાઈ રૈયાણી સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ગોંડલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવા અંગે રાજય સરકારની પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત બાકી મિલકત વેરાની બાકી રકમ ભરપાઈ કરનારને વ્યાજ અને પેનલ્ટી માફ કરવા અંગેનાં જાહેરાતના બોર્ડ નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જે સરકારી યોજનાને અંતર્ગત છે, જેમાં ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફીસર તેમજ પદાધિકારીઓના ફોટા પણ છે.
જેમાં એક ફોટો ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશભાઈનો પણ છે જે વ્યક્તિ સરકારમાં કે ગોંડલપાલિકામાં કોઈ હોદો ધરાવતા નથી. તેમ છતા પાલિકાના ચીફ ઓફીસરે આ વાત જાણતા હોવા છતાં આ વ્યકિતનો ફોટો અને નામ મૂકી કાયદા વિરુધ્ધનું કૃત્ય કર્યું છે અને ગંભીર ગુનો આચર્યો છે.