ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાની રોમાંચક મેચમાં 16 રને જીત થઈ હતી. શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટની સામે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 190 રન જ કરી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 31 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન કર્યા હતા. છેલ્લે શિવમ માવીએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા, દિલશાન મદુશંકા અને દાસુન શનાકાએ 2-2 વિકેટ ઝડપી હતી. તોચમિકા કરુણારત્ને અને વાનિન્દુ હસરંગાને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ શનિવારે 7મી તારીખે રાજકોટમાં રમાશે.
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને 50 રનની અંદર જ 4 વિકેટ પડી ગઈ હતી. આ પછી કેપ્ટન હાર્દિક પણ આઉટ થયા પછી અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 40 બોલમાં 90 રનના પાર્ટનરશિપ કરી હતી અને ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધું હતું. અંતમાં શિવમ માવીએ પણ પાવરહિટિંગનો પરચો દેખાડ્યો હતો. પણ અંતે ટીમને હાર મળી હતી.