પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સેનાના ચાર જવાનોની ગોળી મારીને હત્યા કરનારા બે શંકાસ્પદ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ તેમને શોધવા માટે સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે. બીજી તરફ ઘટનાના 24 કલાક બાદ પણ સૈન્ય વિસ્તારમાં રેડ એલર્ટ જારી છે. સૈન્ય વિસ્તારની સ્કૂલો આજે પણ બંધ રાખવામાં આવી છે. લોકોને બાળકોને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી છે.
આ તરફ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાર જવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમની છાતીના ભાગે ગોળીઓ વાગી હતી. આજે જવાનોના મૃતદેહોને તેમના ગામ મોકલવામાં આવશે. જો કે સૈન્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મોડી રાત સુધી ચાલુ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શૂટર્સ લશ્કરી યુનિફોર્મમાં ન હતા. તેમણે સાદા કપડા પહેર્યા હતા. 80 મીડિયમ રેજિમેન્ટના આ જવાનો ઓફિસર્સ મેસમાં ગાર્ડ ડ્યૂટી પર તહેનાત હતા.
સેનાએ જણાવ્યું કે ગોળીબાર સવારે 4.35 વાગે થયો હતો. 4 જવાનોના મોત સિવાય કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પોલીસ અને સેનાની ટીમ સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે.