બેન્કોમાં ફિક્સ ડિપોઝીટ, ડિમેટખાતામાં શેર્સની જેમ હવે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ પાસે પણ 2500 કરોડની જંગી રકમ રોકાણકારોની એવી પડી છે જેના કોઇ ધણીધોરી નથી. આ રકમનો છેલ્લા કેટલાય સમયથી દાવો કરવામાં આવ્યો નથી. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ (Amfi)ના જણાવ્યા અનુસાર આમાંથી આશરે રૂ. 1,600 કરોડ દાવા વગરના ડિવિડન્ડ અને બાકીના દાવા વગરના વેચાણને લગતા છે. એમ્ફીના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે આ રકમ યોગ્ય રોકાણકારો (માલિકો) સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સંસ્થાએ બજાર નિયમનકાર સેબી સાથે ઝડપી કામ કરી રહી છે. સલાહ આપી કે નાણાં રોકાણકાર અથવા તેના નોમિની તેમજ વારસદાર સુધી પહોંચે. અમે આ સંબંધમાં સેબી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. વેંકટેશે જણાવ્યું હતું કે ફંડ હાઉસ આ રોકાણકારોનો ઈ-મેલ આઈડી અને PAN સાથે જોડાયેલા ફોન નંબર દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ પાસે પડેલી રકમને દાવા વગરની ગણવામાં આવે છે જો ફંડ હાઉસ રોકાણકારોને ડિવિડન્ડ અને રિડેમ્પશનની ચુકવણીઓ ઓનલાઇન તેમજ ઓફલાઇન ચેનલો દ્વારા કરવામાં નિષ્ફળ ગયું હોય. તેનું એક કારણ સંબંધિત બેંક ખાતાઓ બંધ કરવાનું પણ છે. સેબીના નિયમો મુજબ આવી રકમ લિક્વિડ અથવા ઓવરનાઇટ જેવી ટૂંકા ગાળાની ડેટ સ્કીમમાં રાખવામાં આવે છે.
બેંકોમાં પણ 35000 કરોડ દાવા વગરના
બેન્કો પાસે દાવા વગરની રકમમાં સતત વધારો થઇ રહ્યો છે. દાવાઓ વિના બચત અને રોકાણએ લગભગ તમામ બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની રોકાણ યોજનાઓ માટે મોટી સમસ્યા છે. ગતમહિને સરકારે જાહેર ક્ષેત્રની બેંકો પાસે 35000 કરોડ રૂપિયાની જંગી દાવા વગરની થાપણોનો અંદાજ મૂક્યો હતો.