દેશમાં એક તરફ યુપીઆઇથી ચુકવણીનું ચલણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ડિજિટલ ફ્રોડમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સંબંધિત ફ્રૉડનો હિસ્સો 55% છે. જ્યારે છેતરપિંડીના કુલ કેસમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત ફ્રોડની ટકાવારી 18 ટકા છે. જ્યારે ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે છેતરપિંડીનો હિસ્સો 12 ટકા અને સ્પામ કૉલથી થનારી છેતરપિંડીનો હિસ્સો 9 ટકા છે.
ડિજિટલ સોલ્યુશન પ્લેટફોર્મ બ્યૂરો ઑફ કન્સલટન્સી ફર્મ પ્રેક્સિસના ધ એનેટોમી ઑફ ફ્રોડ નામના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર યુપીઆઇ મારફતે થતી છેતરપિંડીના મોટા ભાગના કેસ 10 હજાર રૂપિયાથી ઓછી રકમના છે. 50% કેસમાં 10 હજારથી ઓછી રકમની છેતરપિંડી થઇ છે જ્યારે 48%માં 10 હજારથી 1 લાખ રૂપિયા અને માત્ર 2% કેસ એવા છે જેમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી થઇ છે.