યુ.એસ. ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં યોજાનારી મીટિંગમાં વ્યાજ દર મામલે નિર્ણય પર વૈશ્વિક બજારોની નજર સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ફંડોનું ફોક્સ લાર્જ કેપ ફ્રન્ટલાઈન શેરો પર રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઉડાઉડ અટકી હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યા સાથે સ્થાનિક સ્તરે મૂડી બજાર નિયામક તંત્રના તાજેતરના આકરાં પગલાં અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના હવાલા સાથે સંકળાયેલા ઓપરેટરો વિરૂધ્ધ પગલાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એનબીએફસીઝ સામે પગલાં સાથે મ્યુચ્યુઅલ ફંડોના સ્ટ્રેસ ટેસ્ટના પરિણામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે વેચવાલીએ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, ભારતી એરટેલ શેરોમાં લેવાલી સામે ટીસીએસ લિ., ઈન્ફોસીસ લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિ., લાર્સન લિ. અને એચસીએલ ટેકનોલોજી શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.
બીએસઈ સેન્સેક્સ 736 પોઈન્ટના ઘટાડા સાથે 72012 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 251 પોઈન્ટના ઘટાડા સાથે 21883 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 311 પોઈન્ટના ઘટાડા સાથે 46429 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.36% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.04% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, એફએમસીજી, પાવર, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, યુટિલિટીઝ અને હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.