મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ટોપર (ત્રીજું સ્થાન) દર્શના પવારની હત્યાનું રહસ્ય 10 દિવસ પછી ઉકેલાયું છે. પોલીસે બુધવારે મોડી રાત્રે તેના મિત્ર રાહુલ હંડોરની ધરપકડ કરી હતી. તેણે 12 જૂને રાજગઢ કિલ્લામાં તેની હત્યા કરી હતી અને લાશને પહાડીથી નીચે ફેંકી દીધી હતી.
રાહુલે જણાવ્યું હતું કે દર્શનાના પરિવારે તેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કર્યા હતા. લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી, જ્યારે તે પોતે તેની સાથે લગ્ન કરવા માગતો હતો.
મહારાષ્ટ્રના કોપરગાંવની રહેવાસી 26 વર્ષીય દર્શના દત્તુ પવાર MPSCમાં રાજ્યમાં ત્રીજા ક્રમે આવી હતી. તેની વન વિભાગમાં રેન્જર તરીકે પસંદગી થઈ હતી. આ સફળતા પર કોચિંગ સેન્ટર (જેમાં તે અભ્યાસ કરતી હતી)એ તેને 11મી જૂને પુણે બોલાવી હતી. દર્શના 9મી જૂને પુણે પહોંચી હતી. અહીં તે મિત્રના ઘરે રહેતી હતી.
12 જૂને રાજગઢ કિલ્લામાંથી ગુમ થઈ હતી
ત્રણ દિવસ પછી એટલે કે 12 જૂને દર્શનાએ તેના પરિવાર અને મિત્રોને પણ કહ્યું હતું કે તે રાજગઢ કિલ્લાની મુલાકાતે જવાની છે. રાજગઢ કિલ્લા પર પહોંચ્યાના લગભગ બે કલાક બાદ દર્શનાનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ પછી તેના પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.