રાજકોટના પ્રખ્યાત લોકમેળા રસરંગ માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. પ્રથમ તબક્કે મેળામાં સ્ટોલ અને રાઈડ માટે 355 પ્લોટ નક્કી કરીને તેમાં ધધાર્થીને સ્થાન આપવા માટે ફોર્મ બહાર પાડ્યા છે જેનો શુક્રવારે છેલ્લો દિવસ છે. જોકે ગુરુવાર સુધીમાં 228 જ અરજી આવી છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર જે 355 જગ્યા છે તે માટે અત્યાર સુધીમાં 740 ફોર્મ ઉપડ્યા છે અને ફોર્મ વિતરણની આવક 1,48,000 રૂપિયા થઈ છે. આ પૈકી ગુરુવાર સુધીમાં 228 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જેમાં સૌથી વધુ 105 ફોર્મ રમકડાંના સ્ટોલ માટે છે જેનો ડ્રો થવાનો છે.
આ સિવાયની કેટેગરીમાં ઓછો રસ જોવા મળ્યો છે. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, જે કુલ 228 ફોર્મ આવ્યા છે તેમાંથી 100 ફોર્મ એક જ દિવસે ગુરુવારે જમા થયા છે. આ કારણે શુક્રવારે છેલ્લા દિવસે એકસાથે અરજીઓ આવે તેવી પૂરી શક્યતા છે. છતાં પણ પૂરતા ફોર્મ નહિ ભરાય તો સ્થિતિ જોઈને ફોર્મ જમા કરાવવાની તારીખ લંબાવાશે. જરૂર પડ્યે જે કેટેગરીમાં અરજીઓ નહિવત આવી છે તેને બદલવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. શુક્રવારે જો હજુ 100 ફોર્મ આવે તો પણ અરજીની સંખ્યા 328 જ થશે જ્યારે કુલ પ્લોટ 355 છે. ડ્રો માટે તો અરજદાર મળી રહેશે પણ રાઈડમાં તંત્રને રિંગ થવાની શક્યતા દેખાઈ રહી છે.