ચાલુ નાણાકીય વર્ષના અંતે કોર્પોરેટ એક્સપોઝરમાં મહત્વપૂર્ણ રીતે સુધારને પગલે બેન્કિંગ સિસ્ટમની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (GNPA) 0.90 ટકા ઘટીને 5 ટકાએ પહોંચશે. ક્રિસિલ રેટિંગ્સના રિપોર્ટ પ્રમાણે GNPAs નાણાકીય વર્ષ 2024માં વધુ સુધરીને 4 ટકા સાથે દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચશે.
જો કે, અસક્યામતોની દૃષ્ટિએ સ્થિતિમાં કોઇ સુધારો નથી અને લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં બેન્કિંગ એક્સપોઝર ચિંતાનો વિષય છે. કોવિડ મહામારી દરમિયાન સૌથી વધુ જે સેક્ટર પર અસર થઇ હતી તેવા MSME સેક્ટરની ગ્રોસ એનપીએ માર્ચ 2024 સુધીમાં 10-11 ટકા સુધી વધી શકે છે જે 31 માર્ચ, 2022ના રોજ 9.3 ટકા નોંધાઇ હતી.
ગત નાણાકીય વર્ષ દરમિયાન એસેટ ક્વોલિટીને નિયંત્રિત કરવા માટે કેટલાક રાહતના પગલાં લેવામાં આવ્યા હતા, ત્યારે આ સેગમેન્ટમાં એકંદરે બેન્કિંગ સેક્ટરમાં જોવા મળેલા 2 ટકાના રિસ્ટ્રક્ચરિંગ સામે 6 ટકા રિસ્ટ્રક્ચરિંગ જોવા મળ્યું હતું. તેમાંથી એક ચતુર્થાંશ ખાતાઓ NPAsમાં તબદિલ થાય તેવી સંભાવના હતી.
MSMEsથી વિપરિત લોન લેનાર મોટા કોર્પોરેટ સારું પરફોર્મ કરી રહ્યાં છે. મોટા કોર્પોરેટ સેગમેન્ટના પરફોર્મન્સમાં સુધારાને કારણે આગામી નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોસ NPA 31 માર્ચ, 2018ના 16 ટકાના સર્વોચ્ચ સ્તરેથી ઘટીને 2 ટકાથી નીચે જોવા મળશે.
ક્રિસિલના ડેપ્યુટી ચીફ રેટિંગ અધિકારી ક્રિષ્નન સિતારમને જણાવ્યું હતું કે કોર્પોરેટ એડવાન્સને સમાવિષ્ટ કરતી બેન્કના એક્ઝપોઝરના અભ્યાસ પ્રમાણે એક્ઝપોઝરનો હિસ્સો માર્ચ 2017ના 59 ટકાથી વધીને 2022 સુધી 77 ટકા નોંધાયો છે.