ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાશે. શહેરમાં ઉદઘાટન સમારોહ ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ તેનું આયોજન કરવાની ચર્ચા ચાલી રહી છે.
બીજા દિવસે આ જ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓપનિંગ મેચ પણ રમાશે. બંને ટીમ 2019માં અગાઉના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ટકરાયા હતા.
વિશ્વ કપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ વખતે વર્લ્ડ કપ ગત વખતની જેમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે. ઓપનિંગ સેરેમની દરમિયાન તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદમાં હાજર રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 'કેપ્ટન્સ ડે' ઇવેન્ટમાં તમામ કેપ્ટનોનું એક નાનું ઔપચારિક સત્ર પણ યોજશે.
ઓપનિંગ સેરેમનીમાં ICC એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો પણ હાજર રહેશે. ICCની સાથે, યજમાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો પણ ઓપનિંગ સેરેમનીનો ભાગ હશે.