કેનેડા જતા ભારતીયો આશાના બોજ હેઠળ આવી ગયા છે. ત્યાં અભ્યાસ દરમિયાન કામ અથવા તો અપેક્ષિત નોકરી નહીં મળવાના કારણે ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓના સકંજામાં ભારતીય યુવાનો આવી રહ્યા છે. કેટલાકે તો હતાશ થઇને આત્મહત્યા પણ કરી લીધી છે. આંકડા મુજબ 2018માં આઠ ભારતીયોનાં અકાળે મૃત્યુ થયાં હતાં. આ સંખ્યા 2022માં વધીને 33 થઇ ગઇ હતી. આ વર્ષે તો સ્થિતિ હજુ જટિલ અને મુશ્કેલ બની ગઇ છે. 2023માં 36ના મોત થયા છે. છ વર્ષમાં પાંચ ગણા મોત થયા છે.
હકીકતમાં કેટલાક એવા કિસ્સા સપાટી પર આવ્યા છે જેમાં દેશના સામાન્ય પરિવારોએ પોતાની જીવનભરની બચતને દાવ પર લગાવીને બાળકોને કેનેડા મોકલ્યા હતા. આમાંથી એક પંજાબના પટિયાલાનો અર્શદીપ વર્મા છે. તેના પરિવારે જીવનભરની મૂડી રૂ. 30 લાખની બચતને લગાવીને કેનેડામાં ઓન્ટારિયોના કોલેજમાં અર્શદીપને 2019માં પ્રવેશ અપાવ્યો હતો. એપ્રિલ 2022માં તેણે આત્મહત્યા કરી હતી. કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર માનસિક આરોગ્યની સમસ્યાના કારણે પીડિત છે.
લોનની ચિંતાથી તકલીફો વધી રહી છે, કેટલાક તો લાપતા છે
ભારતીય વિદ્યાર્થીઓના માનસિક રીતે બીમાર થવાના કેસોમાં વધારો થયો છે. આની માહિતી ટોરેન્ટોની બીર્ચમાઉન્ટ માનસિક હોસ્પિટલની એક નર્સે આપી છે. નર્સે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે તેણી અહીં આઠ વર્ષથી કામ કરે છે. બે વર્ષથી અહીં લાવવામાં આવેલા યુવા ભારતીયોની સંખ્યા એકાએક બેગણી થઇ ગઇ છે. મોટા ભાગે ડિપ્રેશનથી ગ્રસ્ત હોય છે. બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા છે. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાપતા વિદ્યાર્થીઓ અંગે માહિતી આપવા માટે અપીલ કરવામાં આવે છે. જાન્યુઆરી 2023માં પંજાબથી ઓન્ટારિયો પહોંચેલા 22 વર્ષના દલજિન્દર ખટરા કેનેડા પહોંચીને હવે પરેશાન છે. તેના કહેવા મુજબ માતાપિતાએ આશરે 15 લાખ રૂપિયાની ફી ભરવા જમીન વેચી દીધી હતી. હું પહેલા સેમિસ્ટરમાં નાપાસ થયો હતો. આ પરીક્ષામાં ફરી બેસવા માટે 3.65 લાખ રૂપિયાની ફી ભરવાની રહેશે. તે ભારે પરેશાન છે.