Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સોમવારે ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. શ્રી પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગુજરાતી અને હિન્દીમાં પુસ્તકનું શીર્ષક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ અને અંગ્રેજીમાં તેનું શીર્ષક ‘ધ વન એન્ડ ઓન્લી ધીરુભાઈ અંબાણી’ રાખવામાં આવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઇના અવસાન બાદ સમયાંતરે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.

શ્રી પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી રિલાયન્સ ગ્રુપના સ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. તેમના ધીરુભાઈ અંબાણી સાથેના આ કાર્યકાળ દરમિયાન તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પુસ્તકમાં શ્રી નથવાણીએ તેમના અનુભવોને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે. તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.