પાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં એક મસ્જિદ પાસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. હુમલા સમયે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતા.
અલ જઝીરાના અહેવાલ મુજબ, વિસ્ફોટમાં ઘાયલ થયેલા એક નજરેજોનારે કહ્યું - જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હું જુલુસની નજીકથી પસાર થઈ રહ્યો હતો. હું બેભાન થઈ ગયો. જેવો હું ભાનમાં આવ્યો, તો ત્યાં અફરાતફરી મચી હતી. મારી આસપાસ મૃતદેહો વેર-વિખેર પડ્યા હતા.
ઘાયલોની મદદ કરનાર અન્ય એક વ્યક્તિએ કહ્યું- હું આ દર્દનાક દ્રશ્ય ક્યારેય નહીં ભૂલી શકું. હું ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી રહ્યો હતો. મારા હાથ લોહીથી લથબથ હતા. કપડાં પર પણ લોહી હતું. લોકો રડી રહ્યા હતા.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, DSP સહિત 58 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરની એક મસ્જિદમાં બીજો બ્લાસ્ટ થયો હતો. આ પણ આત્મઘાતી હુમલો હતો. પાકિસ્તાની મીડિયા 'ન્યૂઝ ઈન્ટરનેશનલ' અનુસાર, અહીં એક પોલીસ અધિકારી સહિત 4 લોકોના મોત થયા છે.