ચોમાસાની શરૂઆત થતાની સાથે નદી-નાળા, તળાવો, ખાણોમાં પાણીની આવક શરૂ થઇ જવા પામી છે. આવા સ્થળોએ લોકો ન્હાવા જતાં હોય છે અને ઘણી વખત દૂર્ઘટનાનો ભોગ પણ બનતા હોય છે. લોધીકાના રાવકી ગામે ગઇકાલે યુપીના મજૂર પરિવારના 7-8 બાળકો રાવકીમાં ખોડીયારધાર ખાણ પાસે રમવા ગયા હતાં. જેમાં રમતાં-રમતાં 10 વર્ષનો એક બાળક ખાણની નજીકમાં જતાં પગ લપસતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા જતાં 14 વર્ષની બાળા પણ લપસીને પાણીમાં પડી જતાં આ બંનેના મોત નિપજ્યા હતાં. આ ઘટના બની ત્યારે બાળકીના બે નાના ભાઇઓ સહિતના બાળકો ત્યાં હાજર હતાં. આ બધા હેબતાઇ ગયા હતાં અને દોટ મૂકી પરિવારજનોને જાણ કરતાં બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં પરંતુ, તેમાં જીવ રહ્યો નહોતો.
રાવકી ગામે પ્રશાંત પોલીમર્સ નામની ફેક્ટરીમાં કામ કરતાં અને ત્યાંની લેબર રૂમમાં રહેતાં યુપીના અનિકેત રામસેવક શ્રીવાસ (ઉ.વ.10) તથા બાજુમાં આવેલી ગિરીરાજ પ્લાસ્ટીક નામની ફેક્ટરીમાં કામ કરતાં અને ત્યાંની રૂમમાં રહેતાં યુપીના રવિન્દ્રકુમાર પ્રતાપસિંગ અહિરવારની પુત્રી કાજલ (ઉ.વ.14), બે પુત્રો સોનુ (ઉ.વ.7), મોનુ (ઉ.વ.10), ભત્રીજો વારીસ (ઉ.વ.9), ભત્રીજી અંશીકા (ઉ.વ.12) તથા અન્ય મજૂરોના મળી 7-8 બાળકો નજીકમાં આવેલી પાણીની ખાણ પાસે રમવા ગયા હતાં.