શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને રૂમમાં પૂરી તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર હેવાનિયત આચરનારને પોલીસે ઝડપી લઇ તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ઉત્તરપ્રદેશની વતની અને કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી 30 વર્ષની મહિલાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બીજા પતિનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે યુપીની વતની છે અને તેના પ્રથમ લગ્ન બાર વર્ષ પૂર્વે તેના વતનમાં તેની જ્ઞાતિના યુવક સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય મહિલા બે વર્ષ પૂર્વે તેના વતનના યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને બીજા પતિ સાથે રાજકોટમાં તેના આગલા ઘરની 11 વર્ષની પુત્રી સાથે રહેતી હતી.
પતિ આઠેક દિવસથી કારખાને કામે જતો નહોતો જ્યારે મહિલા કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. રવિવારે સવારે મહિલા નિત્યક્રમ મુજબ કારખાને કામે ગઇ હતી. પતિ ઘરે હતો જ્યારે બાળકી પાડોશમાં રહેતા પરપ્રાંતીય પરિવારના ઘરે રમવા ગઇ હતી. સવારે દશેક વાગ્યે પાડોશીના ઘરેથી બાળકી પોતાના ઘરે કપડાં લેવા ગઇ હતી ત્યારે સાવકો પિતા ઘરે સુતો હતો અને કપડાં લઇને બાળકી ફરીથી પાડોશમાં જતી હતી ત્યારે સાવકા પિતા હેવાન બન્યો હતો અને રૂમનું બારણું બંધ કરી દઇ આગલા ઘરની પુત્રીનો હાથ પકડી તેને નીચે બેસાડી તેના કપડાં ઉતારી નાખ્યા હતા અને બીભત્સ હરકતો કરવા લાગ્યો હતો ત્યારબાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં આ નરાધમે એવી હરકતો આચરી હતી કે અહીં લખી શકાય તેમ નથી. હેવાનિયત આચર્યા બાદ નરાધમ સાવકા પિતાએ બાળકીને ધમકી આપી હતી કે આ અંગે તારી માતાને કહીશ તો સાંજે તને અને તારી માતાને માર મારીશ.