નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ દરમિયાન એટલે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટેના વિકાસશીલ લક્ષ્યો સાથે ભારતીય કંપનીઓ સંકલન સાધવામાં સફળ રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સિતારમણે જણાવ્યું હતું કે પીએમ સ્પષ્ટતા કરી છે કે વિકસિત ભારતનું લક્ષ્ય ભાવિ પેઢીએ એક શ્રેષ્ઠ ભારતની ભેટ આપવાનો છે.
ફિક્કી દ્વારા આયોજિત વિકસિત ભારત 2047: વિકસિત ભારત અને ઉદ્યોગ સેશનને સંબોધિત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં લક્ષ્યને હાંસલ કરવા માટે ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સ્વતંત્રતાની લડાઇ દરમિયાન તમે ભારતની સાથે હતા, તમે દબાણ છતાં ઉદ્યોગ અને ક્ષમતાનું નિર્માણ કર્યું જેથી ભારતીય ઉદ્યોગોનો જુસ્સો અનેક અડચણો વચ્ચે પણ હંમેશા અડગ રહ્યો છે.
વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ભારતીય કંપનીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. એટલે જ ભારતીય ઉદ્યોગ માટે દેશના વિકાસશીલ લક્ષ્યો સાથે સંકલન સાધવું સહજ છે અને આ વિકાસમાં ઉદ્યોગનું યોગદાન સૌથી વધુ રહેશે. ભારતે પાંચમી સૌથી મોટી ઇકોનોમી તરીકે કુદકો માર્યો છે અને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. કોવિડ બાદ પણ સરકારે મૂડીખર્ચ વધારીને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.