બંગાળી એસોસિએશન રાજકોટ આયોજિત 50મા દુર્ગા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. આ વખતે બંગાળના બ્રાહ્મણો પૂજા કરવા માટે આવશે. તેમજ કોલકાતાની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. મૂર્તિ બંગાળના કારીગરોએ બનાવી છે. સવાર- સાંજ પૂજા, અર્ચના તેમજ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા બંગાળી એસોસિએશન રાજકોટના પ્રમુખ દિલીપ સરકારે જણાવ્યું હતું કે, દુર્ગા મહોત્સવ દરમિયાન બંગાળી પરિવાર 30 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ નિમિત્તે મુખ્ય અતિથિ પદે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. મહાષષ્ઠીના શુભ અવસરે રાત્રે 8 કલાકે મા દુર્ગાના આગમનની વિધિ કરવમાં આવશે. મહોત્સવ દરમિયાન 8.30 કલાકે પૂજા શરૂ થશે જે અંદાજિત બે કલાક સુધી ચાલશે અને ત્યારબાદ ભોગ યોજાશે.