આધુનિકીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય સેક્ટર્સમાં આર્થિક સુધારાને કારણે ઝડપી વૃદ્ધિના સહારે ભારત સ્ટાર પરફોર્મર તરીકે ઉભર્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16% કરતાં પણ વધુ રહેશે તેવો આશાવાદ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી અમે નિરીક્ષણ કરી રહ્યાં છે કે ભારત મજબૂત ગતિએ વિકાસ કરી રહ્યું છે. જ્યારે વાસ્તવિક વૃદ્ધિની વાત આવે ત્યારે ભારત સ્ટાર પરફોર્મર રહ્યું છે અને અન્ય દેશોના પ્રદર્શનની તુલનાએ ભારતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. તે સૌથી ઝડપથી ઉભરતું માર્કેટ છે અને તે અમારા અત્યારના 16%ના અનુમાનમાં યોગદાન આપી રહ્યું છે તેવું IMFના નાદા ચોહેરીએ જણાવ્યું હતું.
IMF દ્વારા તાજેતરમાં તેના વાર્ષિક લેખમાં જણાવ્યું છે કે મેક્રોઇકોનોમિક પોલિસીને કારણે સાઉથ એશિયન દેશ આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. અર્થતંત્ર વૈશ્વિક પડકારો જેમાં વૈશ્વિક સ્તરે સ્લોડાઉન છતાં પણ સતત વિકસતું રહેશે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને વૃદ્ધિના પાયાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી એવી લોજિસ્ટિક્સ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.
ભારતની વસતીમાં યુવાવર્ગ વધુ છે અને જો આ યુવાવર્ગની આવડતને માળખાકીય સુધારાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે તો વધુ ઝડપી દરે આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.