અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સેક્ટોરલ સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં ગઈકાલના અંદાજીત 1400 પોઈન્ટના કડાકા બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત 592 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન સાથે ટ્રમ્પે અમેરિકાથી ભારતમાં થતી નિકાસો પર ભારત સરકાર ટેરિફ ઘટાડવા તૈયાર હોવાના કરેલા દાવાના પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે વિશ્વમાં મચાવેલી ઉથલપાથલ ચાલુ રહી હવે 2, એપ્રિલના દેશ મુજબ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના હોઈ આ પૂર્વે ટ્રેડ નિષ્ણાતો સાથે આ મુદ્દે સ્પષ્ટતા મેળવી નિયમો ઘડી રહ્યાના અહેવાલે વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોને મૂંઝવણમાં મૂકવાનું ચાલુ રાખ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.38% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.99% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ટેક, એફએમસીજી, સર્વિસીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4085 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1091 અને વધનારની સંખ્યા 2863 રહી હતી, 131 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.