ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી પારિવારિક કારણસર સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો છે. BCCIના એક સૂત્રએ શુક્રવારે પીટીઆઈને જણાવ્યું હતું કે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી સાઉથ આફ્રિકા પરત ફરે એવી શક્યતા છે. Cricbuzzના રિપોર્ટ પ્રમાણે કોહલી 3-4 દિવસ પહેલાં ભારત આવવા નીકળી ગયો હતો અને આજે રાત સુધીમાં સાઉથ આફ્રિકા પહોંચી જાય એવી શક્યતા છે. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ હોવાની ખબરો વાઇરલ થઈ હતી.
દરમિયાન ઋતુરાજ ગાયકવાડ બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી બંને ખેલાડી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ ગાયકવાડ ઈજાના કારણે બહાર થઈ ગયા હોવાના અહેવાલ છે.
ગાયકવાડની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર
સૂત્રના જણાવ્યા અનુસાર, ઋતુરાજ ગાયકવાડ રિંગ ફિંગરમાં ફ્રેક્ચરને કારણે બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી.
ઈશાન દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નહીં રમે
ગાયકવાડ પહેલાં વિકેટકીપર બેટર ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. વિકેટકીપર ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અંગત કારણોસર તેણે BCCI પાસે ભારતમાં રહેવાની પરવાનગી માગી હતી, જેને BCCIએ મંજૂરી આપી હતી.