વૈશ્વિક સ્તરે 2023નું વર્ષ અનેક આપત્તિ ભર્યું રહ્યું હોવા છતાં ભારતીય રોકાણકારો દ્વારા રોકાણ પ્રવાહમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઇક્વિટી માર્કેટની સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો છે. ઇક્વિટી માર્કેટની તેજીના કારણે મ્યુ.ફંડ્સના રોકાણકારોના રિટર્ન પણ વધ્યાં છે. વર્ષ 2023માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ વેગ પકડતા તેની કુલ એસેટ બેઝ વધીને રૂ.9 લાખ કરોડ વધીને 50 લાખ કરોડની નજીક પહોંચી છે. આગામી વર્ષે પણ આ જ પોઝિટિવ મોમેન્ટમ જળવાઇ રહેશે તેવો આશાવાદ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી (Amfi) અનુસાર ચાલુ વર્ષ દરમિયાન રોકાણકારોના નવા 2 કરોડ એકાઉન્ટ સાથે કુલ રોકાણ રૂ.3.15 લાખ કરોડ નોંધાયું હતું. તેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIPs)ની સતત વધતી લોકપ્રિયતા પણ છે, જેમાં રૂ.1.66 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. દર મહિને થતા એસઆઇપી રોકાણનો પોર્ટફોલિયો રૂ.17000 કરોડને ક્રોસ કરી ચૂક્યો છે.
આ રોકાણને કારણે વર્ષ 2023 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 23% એટલે કે રૂ.9 લાખ કરોડ રહી છે. જે વર્ષ 2022ના 7 ટકા ગ્રોથ અને રૂ.2.65 લાખ કરોડની AUM કરતાં વધુ હતી. જ્યારે વર્ષ 2021 દરમિયાન તેમાં 22 ટકાનો ગ્રોથ તેમજ રૂ.7 લાખ કરોડની AUM નોંધાઇ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ તેની AUMમાં રૂ.18 લાખ કરોડની રકમ ઉમેરી છે.