એડવાન્સ ટેક્સ અને જીએસટી ચૂકવવા માટે પૈસા ઉપાડવાની વચ્ચે આ સપ્તાહે બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત 7.5 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. RBIના ડેટા અનુસાર 25 ડિસેમ્બરના રોજ બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 2.67 લાખ કરોડ રૂ.ની રોકડની અછત જોવા મળી હતી. તે માર્ચ 2016 બાદ સર્વોચ્ચ આંકડો છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર, અગાઉ 16 માર્ચ 2016ના રોજ બેન્કિંગ સિસ્ટમમાં 2.63 લાખ કરોડ રૂ.ની અછત જોવા મળી હતી. એડવાન્સ ટેક્સ અને જીએસટીની ચૂકવણી માટે રોકડ ઉપાડતા પહેલા 14 ડિસેમ્બરના રોજ બેન્કિંગ સિસ્ટમમાં 44,284 કરોડ રૂ.ની રોકડની અછત નોંધાઇ હતી.
HDFC બેન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી સ્વાતિ અરોરાએ કહ્યું કે, સામાન્યપણે ક્વાર્ટરના અંતે બેન્કિંગ સિસ્ટમમાં હાજર રોકડ દબાણમાં રહે છે. આ વખતે જીએસટી ચૂકવણી માટે અંદાજે 1.5 લાખ કરોડ અને એડવાન્સ ટેક્સની ચૂકવણી માટે અંદાજે એક લાખ કરોડ રૂ. ઉપાડવાથી સિસ્ટમમાંથી રોકડ ઝડપી ગતિએ ઘટી હતી. IDFC ફર્સ્ટ બેન્કના અર્થશાસ્ત્રી ગૌરા સેનગુપ્તા અનુસાર, સિસ્ટમમાં રહેલ રોકડમાં અછત અનેક કારણોથી સર્જાઇ. તેમાં તહેવારોની સીઝનમાં લોકો દ્વારા મોટા પ્રમાણમાં રોકડનો ઉપાડ, બેલેન્સ ઑફ પેમેન્ટ્સની સાથે RBIનું ફોરેન એક્સચેન્જ ઑપરેશન અને મજબૂત ટેક્સ કલેક્શન તેમાં સામેલ છે. આગળ જતા સ્થિતી હજુ ખરાબ થઇ શકે.