અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી અને ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ 17 નવેમ્બરે અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટને બંધ કરવાની ધમકી આપી છે. પન્નુનો આરોપ છે કે ભારત સરકારે એરપોર્ટની અંદર શીખ ધર્મના પ્રતીક કિરપાણ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણયને શીખ સમુદાય પર હુમલો ગણાવતા પન્નુએ ભવિષ્યમાં શીખોના ધાર્મિક પ્રતીકો પર વધુ નિયંત્રણો લાદવાની આશંકા વ્યક્ત કરી છે. આતંકવાદી પન્નુએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તે ભારત સરકારને ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
તેણે આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર આગામી દિવસોમાં દસ્તર (પાઘડી) પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. આ પછી, ભારત સરકાર શીખોને ઘરે પણ તેમના ધાર્મિક પ્રતીકો પહેરવાથી રોકી શકે છે. પન્નુએ પંજાબના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે અને 17 નવેમ્બરે અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટ બંધ કરવાની વાત કરી છે.
તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરના રોજ બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS)એ ભારતના એરપોર્ટ પર કિરપાણ ન પહેરવાનો આદેશ આપ્યો હતો. BCASએ પોતાના આદેશમાં કહ્યું છે કે એરપોર્ટ પર કામ કરતા શીખ કર્મચારીઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિરપાણ પહેરી શકશે નહીં.