ઓસ્ટ્રેલિયા ઓપનને નવો ચેમ્પિયન મળ્યો છે. ઇટાલિયન ખેલાડી જૈનિક સિનરે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.
22 વર્ષીય સિનરે મેદવેદેવને પાંચ સેટના રોમાંચક મુકાબલામાં 3-6,3-6,6-4, 6-4, 6-3થી હરાવ્યો હતો. 3 કલાક અને 44 મિનિટ સુધી ચાલેલી મેચમાં સિનરે પ્રથમ બે સેટ ગુમાવ્યા હતા, ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરી હતી અને સતત ત્રણ સેટ જીતીને મેચ જીતી લીધી હતી. સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બની ગયો છે.
સિનરે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ રમી હતી. અગાઉ, સિનર માત્ર 2020માં ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં, 2023માં વિમ્બલ્ડનની સેમિફાઇનલ અને 2022માં યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યો હતો.