દેશમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષ 2023-24 દરમિયાન 15 ફેબ્રુઆરી સુધીમાં 2.48% ઘટી 22.36 મિલિયન ટન રહ્યું હતું. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન 22.93 મિલિયન ટન રહ્યું હતું. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના બીજા અંદાજ અનુસાર, ચાલુ માર્કેટિંગ વર્ષ 2023-24 દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન 10% ઘટી 33.05 મિલિયન ટન રહી શકે છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 36.62 મિલિયન ટન હતું.
ઇસમા અનુસાર ચાલુ માર્કેટિંગ વર્ષમાં 15 ફેબ્રુઆરી સુધીમાં દેશના મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ઓછું નોંધાયું હતું. જો કે, દેશના બીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષના 6.12 મિલિયન ટન કરતાં વધુ એટલે કે 6.77% રહ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં ઉત્પાદન ગત વર્ષના 8.59 મિલિયન ટનની તુલનાએ 7.94 મિલિયન ટન નોંધાયું હતું.
દેશના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય કર્ણાટકમાં ઉત્પાદન માર્કેટિંગ વર્ષ 2023-24 દરમિયાન ઘટીને 4.32 મિલિયન ટન જોવા મળ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 4.6 મિલિયન ટન રહ્યું હતું. ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 6,85,000 નોંધાયું હતું જ્યારે તામિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષમાં અત્યાર સુધીમાં 4,50,000 મિલિયન ટન રહ્યું છે.