ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો કુકીઝથી ખૂબ સારી રીતે પરિચિત છે. કુકી નાની ટેક્સ્ટ ફાઇલ હોય છે. કુકીની મદદથી કોઇ વેબસાઇટ તમારી વેબસાઇટ પર આવવા-જવાની જાણકારી યાદ રાખી શકે છે. તેનાથી, તમારા માટે બીજી વાર વેબસાઇટનો ઉપયોગ કરવો વધુ સરળ બને છે. પરંતુ આ નાની ફાઇલો મારફતે છેલ્લા કેટલાક વર્ષોમાં યૂઝર્સની ગોપનીયતાનો ખૂબ જ ગંભીર રીતે દૂરુપયોગ થયો છે.
કુકીઝ મારફતે યૂઝર્સની અંગત જાણકારી અને ડેટા એકત્ર કરવામાં આવે છે અને તેમને અનપેક્ષિત જાહેરાતો મોકલવામાં આવે છે. આ જ કારણથી ઇન્ટરનેટ પર ગોપનીયતાના અધિકારની માંગ કરનારા સંગઠનોએ કુકીઝ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
એક સારા સમાચાર એ છે કે આગામી કેટલાક મહિનામાં કુકીઝ ઇન્ટરનેટ પરથી ગાયબ થઇ જશે. જો કે તેનાથી ગોપનીયતાની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા રાખી શકાય નહીં. કુકીઝની શોધ અંદાજે 30 વર્ષ પહેલા એક નેટસ્કેપ એન્જિનિયરે કરી હતી. જેમનો ઉદ્દેશ્ય શરૂઆતમાં એક ઓળખકર્તાના રૂપમાં કામ કરવાનો હતો જેથી યૂઝર્સને અનેકવાર લૉગ ઇન ન કરવું પડે. જો કે, એડ કંપનીઓ દ્વારા તેનો (થર્ડ પાર્ટી કુકીઝ) ઉપયોગ યૂઝર્સની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરવામાં આવે છે. જેથી તેઓ ઇન્ટરનેટ પર શું કરી રહ્યાં છે તે અંગે જાણી શકાય. અત્યારના સમયમાં સૌથી બેઝિક વેબપેજને લોડ કરવાનો અર્થ છે કે ડઝનથી વધુ કુકીઝને ચુપચાપ તમારા કમ્પ્યુટરમાં નાખી દેવામાં આવે છે.