ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર વર્ષ 2023ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ધીમું પડ્યું છે. ઉચ્ચ વ્યાજદરો અને જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થવાને કારણે વ્યક્તિદીઠ આવકને મામલે ત્યાં મંદી વધુ ઘેરી બની હતી. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ તરફથી બુધવારે જારી થયેલા આંકડાઓ અનુસાર, જીડીપીમાં માત્ર 0.2%નો વધારો થયો છે. તે ગત ક્વાર્ટરમાં સંશોધિત 0.3%થી ઓછું છે. જો કે એક વર્ષ પહેલાની તુલનામાં ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 1.5%ની વૃદ્ધિ જોવા મળી છે.
બ્લૂમબર્ગ ઇકોનૉમિક્સ અનુસાર, પ્રતિ વ્યક્તિના સંદર્ભમાં ગત ક્વાર્ટર દરમિયાન ઑસ્ટ્રેલિયાની જીડીપી 0.3% ઘટી હતી. તે એક વર્ષ પહેલાની તુલનામાં પણ 1% ઓછી રહી હતી. તે વર્ષ 1991 બાદથી અને કોવિડ મહામારીને છોડીને સૌથી વ્યાપક મંદી હતી. મંદીને કારણે રિઝર્વ બેન્ક પર આ વર્ષે વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરવાનું દબાણ વધવાની આશંકા છે. RBIએ છેલ્લી બે બેઠકો દરમિયાન રેપોરેટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી, જ્યારે આગળ પણ કોઇ વધારો થાય તેવી સંભાવનાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ગત ક્વાર્ટર દરમિયાન ઑસ્ટ્રેલિયામાં કંપનીઓનું વાર્ષિક નાણાકીય પરિણામ પણ વર્ષ 2000ના છેલ્લા ક્વાર્ટર બાદથી કોવિડ કાળને છોડીને સૌથી નબળા રહ્યા છે. તેનો ગ્રોથ દાયકાની સરેરાશ 2.4%થી પણ નીચે આવી ગયો હતો. ઑસ્ટ્રેલિયાના મેક્રોઇકોનોમિક ફોરકાસ્ટિંગના પ્રમુખ શૉન લેંગકેકે કહ્યું હતું કે ઘરેલુ વપરાશમાં વધારા પર સરકારની સખત નાણાકીય નીતિઓને કારણે ખરાબ અસર પડી રહી છે.