નસવાડી તાલુકાના લીલાછમ રહેતા ડુંગરો ઉનાળાની શરૂઆત થતાં જ સુકાભટ્ટ થઇ જાય છે. પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે ડૂંગર વિસ્તારમાં રહેતાં લોકો પશુઓને પણ છુટા મુકી દે છે. કારણ પીવાના પાણીની પોતાની જરુરિયાત ન સંતોષી શકનારા પશુઓને ક્યાંથી પાણી પીવડાવે ? તે એક વિટક સમસ્યા છે. પરંતુ આ સમસ્યા વચ્ચે બીજી એક મોટી સમસ્યા સર્જાઇ છે કે બીજા વિસ્તારમાં રહેતાં અને ખેતી કરનારા 21 ગામના લોકોને આ રખડતા પશુ ખેતરોમાં આવીને નુકસાન કરતાં હોવાની ફરિયાદ છે.. અને તેના કારણે રખડતા પશુ પોતાના ગામમાં આવે તો માલિક પાસેથી 21,000નો દંડ વસુલવાનો 21 ગામના લોકોએ ઠરાવ કર્યો છે. અને જો દંડ આપવા માટે ઇન્કાર કરે તો તેઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો ઠરાવ કર્યો છે.
ચોમાસામાં ડુંગરો લીલા છમ અને હવે સૂકા ભટ્ટ. નજર કરો ત્યાં સૂકું જ દેખાય છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઇના અભાવે મૂંગા પશુઓની કફોડી હાલત બની છે. 70 થી 80 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂક્યા, તો બીજા વિસ્તારના લોકો પશુઓને તેમના ગામમાં ઘૂસવા ના દેતાં મૂંગા પશુઓની દયનીય હાલત બની છે. ઘાસચારાની તલાશમાં રખડતા પશુઓ ફરિયાદ કરે તો કરે કોને? નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે. સિંચાઇનું પાણી ના મળતાં અહીંના આદિવાસીઓ ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે. જેથી મૂંગા પશુઓ માટે ઘાસ ચારાનો સવાલ પણ વિકટ બને છે.
જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુ ધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે. દૂર દૂર ભટકતા આ પશુની શું હાલત થતી હશે તે પણ વિચારવા જેવી વાત છે. આદિવાસીઓને તો ગમે તેમ કરીને તેમના પશુ જીવી લેશે. કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે. ચોમાસા પહેલાં જો પરત આવે તો તેમનું નસીબ.