ભારતીય રેલવે સમયાંતરે ફરવા લાયક સ્થળોની પ્રવાસી ટ્રેનનું આયોજન કરતી રહે છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં વધુ એક ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રા આગામી તા.25-5થી રાજકોટથી શરૂ થશે. 8 રાત અને 9 દિવસની યાત્રા દરમિયાન મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, માતા વૈષ્ણોદેવી કટરા લઇ જશે. કટરાથી ટ્રેન રાજકોટ તા.2-6ના પરત આવશે. જ્યાં જ્યાં રાત્રિ રોકાણ કરવાનું છે ત્યાં કેટેગરી મુજબ યાત્રિકોને હોટેલમાં રોકાણ કરાવવામાં આવશે. ટ્રેનમાં સામાન્ય લોકોને પરવડે તે માટે ત્રણ કલાસ રાખવામાં આવ્યા છે.
યાત્રા દરમિયાન સવાર-સાંજનું જમવાનું, સવારનો નાસ્તો, બપોરની ચા તેમજ એક મુસાફરને રોજ બે પાણીની બોટલ આપવામાં આવશે. એટલું જ નહિ રેલવે સ્ટેશનથી મંદિર સુધી તેમજ ફરવા લાયક સ્થળોએ જવા માટે યાત્રિકોને બસમાં લઇ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં સાથે ગાઇડ પણ રહેશે.
ભારતીય રેલવે દ્વારા આ ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રાની વિશેષ માહિતી જાણવા તેમજ ટૂર પેકેજનું બુકિંગ કરાવવા ઇચ્છતા લોકોએ WWW.irctctourism.com પર સંપર્ક કરી શકે છે. પ્રવાસી ટ્રેન હોવાને કારણે સમયપત્રકમાં ફેરફાર થઇ શકે છે. તેમજ લઘુતમ બુકિંગ થયે જ યાત્રા શરૂ થશે. આ ઉપરાંત રાજકોટથી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન માનસખંડ યાત્રાના આયોજન માટેની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. 11 દિવસ, 10 રાતના આ ટૂર પેકેજમાં અલમોડા, ભીમતાલ, ચંપાવત-લોહાઘાટ, ચૌકોરી, નૈનીતાલ, ટનકપુર જેવા ફરવા લાયક સ્થળોનો સમાવેશ કરાયો છે.