જાયન્ટ ટેક એન્ડ ઈ-કોમર્સ કંપની એમેઝોન ટૂંક સમયમાં મોટા સ્તરે છટણી કરી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એમેઝોન આગામી કેટલાક મહિના માટે 10 હજાર નહીં, પરંતુ 20 હજાર કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વિભાગમાંથી કર્મચારીઓની સંખ્યા ઘટાડશે અને ઘણા ટોચના મેનેજરોને પણ દૂર કરશે.
આ બે કારણોસર કંપની કરી રહી છે છટણી
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કર્મચારીઓની છટણીમાં કંપનીની ટેક્નોલોજી, કોર્પોરેટ, ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ થશે. કંપનીએ આ છટણી આ મહિનાના અંતમાં અથવા નવા વર્ષની શરૂઆત પછી કરી શકે છે. છટણીનું કારણ આર્થિક મંદીના કારણે કોસ્ટ કટિંગ અને કોવિડમાં ઓવર હાયરિંગને ગણવામાં આવી રહ્યું છે.
થોડા દિવસો પહેલા એમેઝોનના CEO એન્ડી જેસીએ પણ ખુલાસો કર્યો હતો કે કંપની 2023 સુધી કર્મચારીઓની છટણી કરવાનું ચાલુ રાખશે. જોકે, તેમણે તે સમયે કંપની જેટલા કર્મચારીઓની છટણી કરશે તે જણાવ્યું ન હતું. તે જ સમયે, અગાઉ નવેમ્બરના મધ્યમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે એમેઝોન 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે હવે છટણીની સંખ્યામાં વધારો થયો છે.
કર્મચારીઓની કામગીરી મૂલ્યાકંન કરતા મેનેજરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમેઝોનના કર્મચારીઓને લેવલ-1થી લેવલ-7 સુધીના રેન્ક આપવામાં આવ્યા છે અને તમામ સ્તરના કર્મચારીઓને અસર થવાની શક્યતા છે. કંપનીએ મેનેજરોને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. આ પછી છટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અહેવાલ મુજબ, 20 હજાર કર્મચારીઓ કંપનીના કોર્પોરેટ સ્ટાફના લગભગ 6% અને કુલ 1.5 મિલિયન કર્મચારીઓના લગભગ 1.3% જેટલા છે.
છટણીના સમાચારથી કર્મચારીઓમાં ભયનો માહોલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્પોરેટના કર્મચારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને કંપનીના કોન્ટ્રાક્ટ અનુસાર 24 કલાકમાં નોટિસ અને સેવરેન્સ પે આપવામાં આવશે. એક સૂત્રોના જણાવ્યા અનુસાર, છટણીના સમાચાર સામે આવ્યા પછી કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ છે.