શહેરની મુખ્યબજાર દાણાપીઠમાં બોલેરોમાં ખાંડનો જથ્થો લઇને ગયેલા યુવકને બોલેરો લઇ લેવાનું કહી માથાકૂટ કરી ત્રણ શખ્સે યુવક પર હિચકારો હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
કુવાડવામાં રહેતા અને બોલેરો પિકઅપ વાન ચલાવતા સની વાલજીભાઇ સૂરેલા (ઉ.વ.24)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ચના વાલા ભરવાડ, હરકેશ ભરવાડ અને વિરલ ભરવાડના નામ આપ્યા હતા. સની સૂરેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે પોતે બોલેરોમાં ખાંડનો જથ્થો લઇ દાણાપીઠ મેઇન રોડ પર આવેલી દુકાને ખાંડ ઉતારવા ગયા હતા. ત્યારે ત્યાં છકડો લઇને ઊભેલા ચના ભરવાડે બોલેરો દૂર લઇ લેવાનું કહ્યું હતું. સનીએ ખાંડનો જથ્થો ઉતરી જશે એટલે વાહન લઇ લેશે તેમ કહેતા ચના ભરવાડ ઉશ્કેરાયો હતો અને તેણે ઝઘડો કરી અન્ય બે સાગરીતને બોલાવી લીધા હતા અને ત્રણેયે હુમલો કર્યો હતો. હુમલાખોરે હાથમાં પહેરવાનું કડું ઝીંકી દેતા સની લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલામાં ઘવાયેલા સનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોર ત્રિપુટીની શોધખોળ શરૂ કરી હતી.