કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPLની પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. KKRએ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 8 વિકેટે હરાવ્યું છે. કોલકાતા ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 2021માં ફાઈનલમાં પહોંચી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વેંકટેશ અય્યરે 51 રનની ઇનિંગ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 44 બોલમાં 97 રનની ભાગીદારી થઈ હતી. પેટ કમિન્સ અને ટી. નટરાજનને એક-એક વિકેટ મળી હતી.
SRH તરફથી રાહુલ ત્રિપાઠી (55 રન) એકમાત્ર બેટર હતો જેણે અડધી સદી ફટકારી હતી. રાહુલ રન આઉટ થયો હતો. આ પછી તે પેવેલિયનના પગથિયાં પર બેસીને રડવા લાગ્યો. KKRના મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી.