(NDA) સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ચૂંટાયા હતા અને સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળશે જેના પગલે ભારતીય શેરમાર્કેટમાં સતત ત્રીજા દિવસે આક્રમક તેજી જોવા મળી હતી. ભારતીય શેરમાર્કેટમાં સેન્સેક્સમાં 4 જૂનના થયેલું ધોવાણ માત્ર ત્રણ દિવસમાં જ 6561 પોઇન્ટ રિકવર થઇ 76795.31 પોઇન્ટની નવી ઉંચાઇ પહોંચ્યું છે જ્યારે નિફ્ટી પણ 23320.20 પોઇન્ટની નવી ટોચના અંતે 23290.15 બંધ રહ્યું છે. માર્કેટ નવી ટોચે પહોંચ્યું છે પરંતુ હજુ રોકાણકારોની મૂડીમાં 2.50 લાખ કરોડનું નુકસાન છે.
આ ઉપરાંત હજુ મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ 3 જૂનની ટોચથી સરેરાશ પાંચ ટકા સુધી પાછળ છે. એકેઝિટ પોલ પછી શેરબજારમાં આવેલા ઊછાળા અને તે પછી પરિણામને પગલે ઐતિહાસિક કડાકાની વચ્ચે રોકાણકારોને જે ખોટ થઈ તેમાં હજી રૂ.2.50 લાખ કરોડની ઘટ છે. એક્ઝિટ પોલને દિવસે માર્કેટ કેપ વધીને રૂ.425.91 લાખ કરોડ નોંધાયું હતું તે પરિણામ પછીના કડાકાએ રૂ.394.84 કરોડના સ્તરે ગબડી પડ્યું હતું. ત્યાંથી પાછું રિકવર થઈ રૂ.423.41 લાખ કરોડે પહોંચ્યું છે. એટલે એમ કહી શકાય કે સેન્સેક્સ ભલે શુક્રવારે નવી ઊંચાઇએ પહોંચ્યો પણ રોકાણકારોની નુકશાની પૂરેપૂરી રિકવર થઈ નથી. સેન્સેક્સ શુક્રવારે 76,795ની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યો હતો અને આગલા દિવસની સામે 1,619 પોઇન્ટ વધ્યો હતો. આ સપ્તાહ દરમિયાન આંકમાં 6,560 પોઇન્ટની વધઘટ જોવા મળી છે.