સરકારે દેશને ઇલેક્ટ્રોનિક અને સેમીકંડક્ટર ગ્લોબલ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા રચાયેલી એક ટાસ્ક ફોર્સે રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં સ્થાનિક કંપનીઓને પ્રોડક્ટના નિર્માણમાં સહયોગ કરવામાં તેમજ તેમને એક ગ્લોબલ બ્રાન્ડ બનવામાં મદદ માટે વર્ષ 2024 થી 2030ની વચ્ચે 44,000 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2047 સુધી દેશનું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ 3 ટ્રિલિયન ડૉલર (અંદાજે 250 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. તેમાં નિકાસનો હિસ્સો અંદાજે 1 ટ્રિલિયન ડૉલર (83.5 લાખ કરોડ રૂપિયા) થશે. તે ઉપરાંત, પેનલે 30 ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ અને 40 અલગ અલગ પ્રકારની ચિપ્સની ઓળખ કરી છે, જે દેશની ડિઝાઇનિંગ અને બ્રાન્ડિંગ માટે જરૂરી છે. સરકાર તેને પ્રાથમિકતા આપશે. જો ટાસ્ક ફોર્સના પ્રસ્તાવને સરકાર મંજૂર કરશે તો આ બજેટ મોબાઇલ ડિવાઇઝ અને ઇલેક્ટ્રોનિક્સ માટે પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમને બરાબર હશે. સરકારની પીએલઆઇ સ્કીમને કારણે પણ મોટા ભાગની ઇન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે.