એક સમયે માત્ર ગીર જંગલમા વસતા સાવજો હવે મોટી સંખ્યામા જંગલથી બહાર રેવન્યુ વિસ્તારમા પણ વસી રહ્યાં છે અને રેવન્યુ વિસ્તારમા સાવજોની સૌથી વધુ વસતિ અમરેલી જિલ્લામા છે. ત્યારે દિપાવલીના રજાના તહેવાર પર સહેલાણીઓ અને સ્થાનિક લોકો દ્વારા મોટા પ્રમાણમા ગેરકાયદે લાયન શો યોજવામા આવી રહ્યાં છે અને વનતંત્ર આ પ્રવૃતિને રોકવામા નિષ્ફળ જઇ રહ્યું છે.
અમરેલી જિલ્લામા આમપણ 11 પૈકી 9 તાલુકામા સાવજોનો કાયમી વસવાટ છે અને બાકીના બંને તાલુકામા પણ સાવજોની સતત અવરજવર થતી રહે છે. બલકે જુનાગઢ, ગીર સોમનાથ કે ભાવનગર જિલ્લાની સરખામણીમા અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા સાવજોની સંખ્યા સૌથી વધુ છે. અહી શેત્રુજી નદીના કાંઠે આગળ વધેલા સાવજો સમગ્ર જિલ્લામા ફરી વળ્યાં છે. અને ગમે ત્યારે રસ્તા પર કે વાડી ખેતરોમા સાવજની હાજરી દેખાઇ જાય છે. અને તેના કારણે જ ગેરકાયદે સિંહ દર્શન કરનારા લોકો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા કરતા અમરેલી જિલ્લા તરફ વધુ વળે છે.
હાલમા દિપાવલીના તહેવારોમા બે લાખથી વધુ લોકો રાજયના અન્ય શહેરોમાથી વતનમા આવ્યા છે. એટલુ જ નહી ગીર આસપાસના પ્રવાસન સ્થળો તથા દિવ સોમનાથ તરફ જતા હજારો પ્રવાસીઓ પણ અમરેલી જિલ્લામાથી પસાર થઇ રહ્યાં છે અને ખુલ્લામા સિંહ દર્શનની લાલચ છોડી શકતા નથી. રાજુલા ખાંભા અને ધારી તાલુકાના ગ્રામિણ વિસ્તારમા બહારથી આવેલા લોકો અને સહેલાણીઓ માટે સ્થાનિક જાણકારો દ્વારા સિંહ દર્શનની વ્યવસ્થા કરવામા આવી રહી છે.
ગ્રામિણ સીમ વિસ્તારમા સિંહ દર્શનની ઘેલછામા સહેલાણીઓ દિવસ રાત દોડતા રહે છે. સીમ વગડો ખુંદતા રહે છે. સ્થાનિક લોકો સાવજોની વર્તણુકના જાણકાર છે પરંતુ સહેલાણીઓ તેના જાણકાર ન હોય ખુદ તેમના પર ખતરો વધ્યો છે. અને વનતંત્ર કયાંય નજરે પડી રહ્યું નથી. ખાંભા અને ધારી પંથકમા બે સ્થળે સાવજોને છંછેડવામા આવ્યા હોવાની ઘટના પણ બની હતી.
વનવિભાગનો સ્ટાફ પણ રજાના મુડમા હોય પુરતુ ધ્યાન આપી રહ્યો નથી. સાવરકુંડલાના ઘનશ્યામનગરમા હજુ બે દિવસ પહેલા છંછેડાયેલી એક સિંહણે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધો હતો. આવા વધુ કોઇ હુમલાની ઘટના બને તે પહેલા ગેરકાયદે લાયન શો અટકાવવાની જરૂર છે.
પીપાવાવ ફોરવે પર અનાયાસે વાહન ચાલકોને સિંહ દર્શન
રાજુલા નજીક પીપાવાવ તથા આસપાસના વિસ્તારમા સાવજો રસ્તા પર જ આવી જાય છે. ખાસ કરીને ફોરવે પર સાવજો દિવસમા બે વખત અચુક આવતા હોય છેલ્લા ત્રણ દિવસથી સતત અહી વાહન ચાલકોને અનાયાસે જ સિંહ દર્શન થઇ રહ્યાં છે.
સાવજોના ક્રોસીંગ પર સહેલાણીઓ દ્વારા જમાવાય છે અડ્ડો
સાવજો પોતાની ટેરેટરીમા સતત આંટા મારતા હોય કેટલાક નિશ્ચિત ક્રોસીંગ પરથી અચુક નીકળે છે. સવાર અને સાંજના સમયે આ તેમનો નિશ્ચિત રૂટ હોય છે જે સ્થાનિક લોકો જાણતા હોય સહેલાણીઓને આવા ક્રોસીંગના પોઇન્ટ પર લઇ જવાય છે અને સાવજો અહીથી પસાર થાય ત્યારે સિંહ દર્શન કરાવાય છે.