રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા BU સર્ટી અને ફાયર NOC મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતા. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના મહાનગરપાલિકાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ વરસાદને લઇ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવો પણ શક્ય નથી. ત્યારે હવે ખાનગી હોલ એકમાત્ર ઉપાય છે. જોકે, તેના ભાડા ઘણા વધારે હોવાથી આગામી બે મહિના લગ્ન કરવા વિચારવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મનપા સંચાલિત 21 પૈકી હાલ ચાલુ 20 કોમ્યુનિટી હોલમાંથી 18માં આ કામગીરી કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી તમામ લગ્ન હોલ તેમજ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા છે. અને આજે એક ટેન્ડર પ્રસિદ્ધ થયું છે, પરંતુ ટેન્ડર ભરાઇને પરત આવ્યા બાદ પાર્ટીને કામ આપવા સહિત પ્રક્રિયામાં સમય લાગવાનો છે. ત્યાર બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાની શક્યતા છે.