મોરબી જિલ્લામાં જૂન મહિનાથી ચોમાસુ સિઝન શરૂ થયા બાદથી સમયાંતરે હળવાથી લઈ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચકાતા તાવ, શરદી ઉપરાંત દૂષિત પાણીથી થતા રોગે પણ માથું ઊંચક્યું હતું. મોરબી જિલ્લાના વિવિધ પીએચસી, સીએચસી અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલમાં મળી કુલ 1,58,576 દર્દી અલગ અલગ બીમારીની સારવાર માટે આવ્યા હતા જેમાં મહદ અંશે તાવ શરદી જેવી સીઝનલ બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળ્યું હતું.
ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા
જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલ,.પીએચસી સીએચસી વગેરેમાં 2 મહીના દરમિયાન 5337 જેટલા દર્દી સતાવાર રીતે નોંધાયા હતા, તો ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા હતા. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે મોરબીમાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવી બીમારીએ પણ માથું ઊંચક્યું હતું.મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં 1500 અને ઓગસ્ટમાં 1469 કેસ મળી કુલ 2969 કેસ નોંધાયા હતા.
ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ
આ સિવાય ટાઈફોઈડ કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુલાઈ મહીનામાં 29 અને ઓગસ્ટમાં 29 એમ કુલ 58 કેસ આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ સામે આવ્યા હતા. જો કે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 128 કેસ નોંધાયા હતા. આમ, ચાલુ વર્ષે 83 કેસનો ઘટાડો આવ્યો હતો.આ ઉપરાંત ડેન્ગ્યુમાં જુલાઇ ઓગસ્ટમાં 2021માં 11 કેસ સામે 2022માં માત્ર 7 કેસ જ નોંધાયા છે.