શહેરમાં મવડી નજીક હેમાન્દ્રી-1 એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કારે હેઠળ કચડાઇ જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનાં મોતથી ચોકીદાર પરિવારમા ગમગીની છવાઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી પાસેના હેમાન્દ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા પદ્મભાઇ સાઉદનો દોઢ વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમતો હતો. દરમિયાન રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ઠાકોર તેમજ જમાદાર કિરીટભાઇ નિમાવત સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પાેલીસની તપાસમાં મૃતક બાળક એક બહેનમાં નાનો હતો અને પિતા ચોકીદારી કરતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં સવારે એપાર્ટમેન્ટમાં રહેતા કારચાલક મિલન નામનો યુવાન પરિવાર સાથે ખોડલધામ જવાના હોય કાર બહાર કાઢતી વેળાએ બાળક રમતો હતો ત્યારે કાર રિવર્સમાં લેતા આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે કારચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.