જૈન સમાજમાં સાધુ-સાધ્વીજી ઉપર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાધ્વીજીઓની રક્ષા માટે અખિલ ભારતીય શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા પેપર સ્પ્રે (મરચાંનો સ્પ્રે) તૈયાર કરવામાં આવ્યો છે. દેશભરનાં 500 ગુરુભગવંતોના ગ્રૂપમાં 7 હજાર સાધ્વીજીઓની રક્ષા માટે આ સ્પ્રે પહોંચાડવામાં આવશે. પ.પૂ. અભયશેન સૂરીશ્વરજી મ.સા.ના જણાવ્યા અનુસાર ભાભર અને ભરૂચમાં સાધ્વીજી ઉપર જે હુમલા કરવામાં આવ્યા હતા તે સંદર્ભે અગામી બે મહિનામાં દેશભરના તમામ જૈન સાધ્વીજી-ગુરુભગવંતોને આ સ્પ્રે પહોંચાડવામાં આવશે.
આ કાર્ય માટે અખિલ ભારતીય શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા 20થી વધુ ટીમો તૈયાર કરવામાં આવી છે, સાથે સાથે 800થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ આ કાર્યમાં ભાગ લેશે. સાધ્વીજીઓ જ્યારે ગોચરી લેવા જતાં હોય છે ત્યારે એકલાં જ હોય છે. આવા સમયે કોઈ અઘટીત ઘટનાઓ ન બને તે માટે તેઓને સ્પ્રે આપવામાં આવ્યો છે. જેથી આ સ્પ્રેનો છંટકાવ કર્યા બાદ તે જગ્યાએથી ભાગી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પેપર સ્પ્રે આપવાનું મુખ્ય કારણ એ છે કે જૈન ધર્મમાં હિંસા કરવી યોગ્ય નથી. કોઈ પણ સાધુ-સાધ્વીજીઓ ચપ્પુ કે રિવોલ્વર રાખી શકતાં નથી જેથી અનિવાર્ય સ્થિતિ હોય ત્યારે સ્પ્રે છાંટીને સ્વબચાવ કરી શકશે.