જીવલેણ રોગ કૅન્સરની દવાઓ પરનો જીએસટી ઘટાડી દેવાયો છે. હવેથી કૅન્સરની દવાઓ પર 12%ને બદલે માત્ર 5% જ જીએસટી ભરવો પડશે. સોમવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠક મળી હતી. તેમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. સ્વાસ્થ્ય વીમા પૉલિસી લેવા અને પ્રીમિયમ ભરવામાં રાહત આપવા માટે નવેમ્બર સુધી રાહ જોવી પડશે.
આ અંગે જીએસટી કાઉન્સિલમાં સંમતિ સધાઈ ગઈ છે. આ મુદ્દે વિચારવા માટે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં મંત્રીજૂથ (જીઓએમ) બનાવાયું છે. આ જૂથે ઓક્ટોબરના અંત સુધીમાં અહેવાલ આપવાનો છે. કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે વિચાર કરવામાં આવશે. વીજજોડાણ પર લાગવાનો હતો એ 18% જીએસટી પણ હવે નહીં લાગે. આ કારણે નવાં વીજજોડાણો લગભગ 1000 રૂપિયા જેટલાં સસ્તાં થશે.
લાંબા સમયથી ઓનલાઇન ગેમિંગ કંપનીઓ ટેક્સ ઘટાડવા દબાણ કરી રહી હતી પરંતુ આ મુદ્દે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા જ ન થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 6 મહિનામાં ઓનલાઇન ગેમિંગમાંથી મળતો ટેક્સ ચાર ગણો વધીને 6,099 કરોડ થઈ ગયો છે. બેઠકમાં રિયલ એસ્ટેટ અને કરમાળખાના સરળીકરણ અંગે મંત્રીઓનાં જૂથોના બે અહેવાલ રજૂ કરાયા હતા. જીએસટીનું કરમાળખું સરળ કરવા માટે મંત્રીઓના જૂથની 23 સપ્ટેમ્બરે એક મહત્ત્વની બેઠક મળશે.