રેલનગરમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળાએ પુત્ર સાથે મળી પતિ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા તેમના પતિ હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા. જોકે તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પદ્મિનીબાના ચારિત્ર પર તેના પતિએ આક્ષેપ કર્યા હતા તો પતિ ચીટર હોવાનો પદ્મિનીબાએ વળતો પ્રહાર કર્યો હતો.
રાજકોટમાં રેલનગર પાસેના રામેશ્વર પાર્ક-5માં રહેતા ગિરિરાજસિંહ અનિરુદ્ધસિંહ વાળા (ઉ.વ.47) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમણે તેમના પત્ની પદ્મિનીબા અને પુત્ર સત્યજિતસિંહે પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. ઘટના અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી. જોકે ગિરિરાજસિંહે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. બીજીબાજું સોશિયલ મીડિયામાં વીડિયો ફરતા થયા હતાં જેમાં ગિરિરાજસિંહ વાળા અને તેમના પત્ની પદ્મિનીબા વચ્ચે બોલાચાલી થઇ રહી હતી. ગિરિરાજસિંહ શેરીમાં પદ્મિનીબાને ગાળો ભાંડી રહ્યા હતા. તેમના ચારિત્ર પર આક્ષેપ કરી રહ્યા હતા અને આવા ગોરખધંધામાં પદ્મિનીબાને તેના જ ભાઇ મદદ કરી રહ્યાનો આક્ષેપ કરતા હતા. ગિરિરાજસિંહે ક્ષત્રિય સમાજના અન્ય એક આગેવાન જે.પી.જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. સામાપક્ષે પદ્મિનીબાએ પતિ ગિરિરાજસિંહને ધમકી આપી હતી કે, તારા ટાંટિયા ભાંગી નાખીશ, રાખ તારું મકાન, શરમ વગરના જેવા અનેક કવેણ કહ્યા હતા. આ ઘટના બાદ પદ્મિનીબાએ એક વીડિયો ફરતો કર્યો હતો અને તેમાં તેમણે પતિ ગિરિરાજસિંહ અંગે કહ્યું હતું કે, પતિ છેતરપિંડીના કામ કરે છે. ચાર-ચાર મહિના સુધી ઘરે આવતા નથી અને ઘરે આવ્યા બાદ તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ જાય છે.