ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં આર્થિક બોજ હેઠળ ડૂબેલા પ્રત્યેક પરિવાર પર સરેરાશ 1.41 લાખ રૂપિયા દેવું છે. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા ‘નાબાર્ડ ઓલ ઇન્ડિયા રૂરલ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન સરવે 2021-22’ મુજબ, રાજ્યમાં 34% પરિવાર દેવાના બોજ હેઠળ છે. અહીં જે પરિવારની કોઈ બાકી લોન હોય તો તેને દેવાદાર ગણવામાં આવ્યો છે. સરવે મુજબ, એક વર્ષમાં રાજ્યમાં 28% પરિવારે કોઇને કોઇ લોન લીધી હતી. પરિવાર દીઠ સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમા ક્રમે છે. કેરળના ગામડાંમાં પરિવાર દીઠ સૌથી વધુ સરેરાશ 1.98 લાખ દેવું છે. દેશના ગ્રામિણ પરિવાર દીઠ દેવું 90 હજાર રૂપિયા છે. ગુજરાતના ગામડાંમાં 54% પરિવાર ખેતી સાથે સંકળાયેલા છે. જ્યારે 46% બિનખેતી ક્ષેત્રે સાથે જોડાયેલા છે. ગામડાંમાં એક પરિવારમાં સરેરાશ 4-5 સભ્યો રહે છે.
ગુજરાતમાં એક વર્ષમાં 28% પરિવારે લોન લીધી હતી જ્યારે દેશમાં 42% પરિવારે લોન લીધી હતી. સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં 75% પરિવારે લોન લીધી હતી. ગામડાંમાં કુલ લોનમાંથી 75% લોન અધિકૃત સંસ્થાઓ પાસેથી લીધી હતી.