સયાજી હોસ્પિટલ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની માથાભારે ગુંડા બાબર પઠાણે હત્યા કરી દીધી હતી. ત્યારે ગુનામાં સંડોવાયેલા બાબરના ત્રીજા ભાઈ સહિત બે જણા વધુ પકડાયા હતા. આ સિવાય પોલીસે વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
હત્યામાં સંડોવાયેલા વસીમ નુરમહમદ મન્સુરી તથા બાબર પઠાણના બે ભાઈ સલમાન ઉર્ફે સોનું અને મહેબુબને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે ગુના બાબતે આરોપીની પૂછપરછ કરવા કોર્ટમાં વિવિધ 13 મુદ્દા રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે ત્રણેય આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યામાં સંડોવાયેલા સાબીર ઉર્ફે લાખા દુમાડ ચોકડી પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.