દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. તેમાં OTT પ્લેટફોર્મ્સ પણ સામેલ છે. પરંતુ ટેલિકોમ નિષ્ણાંતો આ માંગ વ્યવહારિક ન હોવાનો સુર વ્યક્ત કરી રહ્યા છે. જો આ નવા કાયદાનું અમલીકરણ થશે તો તમારા માટે વોટ્સએપ, ટેલિગ્રામ સહિતની એપના ઉપયોગ માટે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
ટેલિકોમ કંપનીઓ અનુસાર વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ, સ્કાઇપ જેવા ઑવર ધ ટૉપ પ્લેટફોર્મ અને સ્માર્ટફોન વચ્ચે વધુ અંતર રહ્યું નથી, પરિણામે તેઓ પર પણ સમાન નિયમન લાગૂ થવું જોઇએ. અત્યારે સૌથી મોટું અંતર એ છે કે દેશમાં ટેલિફોન સર્વિસ માટે કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી છે. બીજી તરફ ઇન્ટરનેટથી સંચાલિત ઓટીટી પ્લેટફોર્મ્સને સરકાર પાસેથી કોઇ લાઇસન્સ લેવાની અનિવાર્યતા નથી.
વાસ્તવમાં, દૂરસંચાર વિભાગે તાજેતરમાં જ ‘ઇન્ડિયન ટેલિકોમ બિલ 2022’નો ડ્રાફ્ટ જારી કર્યો છે. વિભાગે તેના પર દૂરસંચાર નિયામક ટ્રાઇ પાસેથી 20 ઑક્ટોબર સુધી સૂચનો મંગાવ્યા છે. તેમાં ઓટીટીની વ્યાખ્યા બદલવા અને તેને ટેલિકોમ લાઇસન્સ હેઠળ લાવવાનો પ્રસ્તાવ સામેલ છે. અર્થાત્ જો ડ્રાફ્ટ બિલ તરીકે સંસદમાં પસાર થઇ જશે તો દરેક ઇન્ટરનેટ આધારિત કોલિંગ એપ લાઇસન્સ ફીના દાયરા હેઠળ આવી જશે.