ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. આજે ઉર્વિલે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. વિપક્ષી ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો લેફ્ટ આર્મ સ્પિનર સ્વપ્નિલ સિંહ પણ હતો.
ગુજરાતના ઓપનિંગ બેટરે 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગમાં 11 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. તેણે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આઠ વિકેટ અને 35 બોલ બાકી રહેતા 183 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં તેની ટીમને મદદ કરી. આ પહેલા આ મેચમાં ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા.
T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ઉર્વિલના નામે છે, જ્યારે ઉત્તરાખંડ સામે તેની 36 બોલમાં ફટકારેલી સદી ભારતીય બેટરે ફટકારલી ચોથી સૌથી ઝડપી સદી છે.