દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો સલામત, સ્થિર અને મજબૂત છે અને તાજેતરમાં વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ચાલુ નાણાવર્ષના પ્રથમ છ મહિના દરમિયાન જ બેન્કોએ રૂ.85,520 કરોડનો નફો કર્યો છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. બેન્કિંગ કાયદા બિલ, 2024 પરની ચર્ચા પર પ્રત્યુત્તર આપતા તેમણે જમાવ્યું હતું કે જાહેર ક્ષેત્રોની બેન્કો નફાકારક રહી છે.
આ બિલ, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1955, બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1970 અને બેન્કિંગ કંપનીઓ (એક્વિઝિશન) અને ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1980,માં સુધારો કરે છે તેને પાછળથી લોકસભા દ્વારા ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
સપ્ટેમ્બર 2024 દરમિયાન શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોની શાખાની સંખ્યા 3,792 વધીને 16,55,001 પર પહોંચી છે. જેમાંથી 85,116 શાખાઓ જાહેર ક્ષેત્રની બેન્કની છે. દેશના ગ્રોથ માટે ભારતીય બેન્કિંગ સિસ્ટમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવતા સિતારમણે કહ્યું હતું કે વર્ષ 2014થી બેન્કિંગ સિસ્ટમમાં સ્થિરતા સુનિશ્ચિત થાય એ માટે અમે સતર્ક છીએ. ઇરાદો આપણી બેન્કોને સ્થિર, સલામત, મજબૂત રાખવાનો છે અનેે 10 વર્ષ પછી તેના સકારાત્મક પરિણામો મળ્યા છે.